ઉપયોગ
આપણે આપણા આહારમાં દૂધનો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ.
- દૂધને આપણે સીધું જ એક પીણા તરીકે અથવા બીજા ખાદ્યપદાર્થ સાથે મેળવીને વાપરીએ છીએ. કેળાં, કેરી, ચીકુ, સફરજન જેવાં ફળો સાથે મેળવીને તેમાંથી સ્વાદિષ્ટ મિલ્ક શેક બનાવી શકાય. ઈંડા સાથે મેળવીને ખૂબ પૌષ્ટિક પીણું બનાવી શકાય.
- દાળિયા, પૌઆ, મમરા , સોજી વગેરે જેવી વસ્તુઓ સાથે દૂધને મેળવીને રાબ બનાવી શકાય. કાર્બોદિતપદાર્થ અને પ્રોટીનનું આવું સંમિશ્રણ અનાજમાં રહેલા પ્રોટીનનો વધુ સારો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે.
- દૂધમાંથી ખીર, ફીર્ની, કુલફી અથવા આઈસક્રીમ જેવી વિવિધ મીઠી વાનગીઓ બનાવી શકાય.
- દૂધમાંથી બનતું દહીં જેમનું તેમ અથવા બીજા ખાદ્યપદાર્થ સાથ ભેળવીને ખાઈ શકાય. દહીંમાં કાકડી,ગાજર જેવા શાક ઉમેરી રાયતાં બનાવી શકાય અથવા ભજિયા, વડાંની રીતે કઠોળ ઉમેરી શકાય. કેળા, કેરી જેવા ફળો અને ખાંડ નાખી મીઠાં રાયતાં પણ બનાવી શકાય. દહીંમાંથી બનતી વાનગીઓ મહ્દઅંશે ઉનાળામાં ખવાય છે. ઉનાળમાં દહીંમાંથી શ્રીખંડ અને લસ્સી બનાવીને આપણે ખાઈએ છીએ.
- દહીંમાંથી બનતા પનીરનો પણ ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. પનીરમાંથી કટલેસ, ભજિયા, રસાવાળાં શાક, પંજાબી શાક, પરોઠા, પૂરી અને બંગાળી મીઠાઈઓ બનાવી શકાય છે.
- દહીંમાંથી નીકળતી મલાઈ સીધેસીધી ખાવામાં વાપરી શકાય અથવા ખાંડ સાથે હલાવીને તેમાં ફળો ઉમેરીને ખાઈ શકાય. મલાઈમાંથી માખણ કે ઘી બનાવી શકાય છે.
ભોજનને સ્વાદિષ્ટ બનાવવા દૂધનો વિવિધ રીતે ઉપયોગ કરો

પસંદગી
બજારમાં આપણને સરકારી ડેરીમાંથી અને દૂધના ફેરિયા પાસેથી દૂધ મળે છે. સરકારી ડેરીમાંથી મળતું દૂધ બે સ્વરૂપે મળે છે. પોલિથીન બૅગમાં મળતું પૂર્ણ મલાઈવાળું દૂધ અથવા દૂધ-કેન્દ્ર પરથી મળતું એકરૂપ કરેલું દૂધ. પોલિપૅક દૂધ મોંઘુ હોય છે કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ ઘણું હોય છે અને તે મલાઈના રૂપે ઉપર તરતી હોય છે. મલાઈને સીધી જ ખાઈ શકાય છે અથવા તેનું માખણ કે ઘી બનાવી શકાય છે. એકરૂપ થયેલા દૂધમાં ચરબી એકદમ નાના કણોમાં વિઘટિત કરેલી હોય છે જે દૂધની ઉપર છૂટી પડતી નથી. આથી જ એકરૂપ કરેલા દૂધમાંથી મલાઈ મળતી નથી. હંમેશા વિશ્વસનીય જગ્યાએથી દૂધ ખરીદવું જોઈએ. દૂધ ખરીદતા પહેલાં નીચેના મુદ્દાઓ યાદ રાખવા …
- સરકારી સંસ્થાઓમાંથી દૂધ ખરીદવું ડહાપણભર્યુ છે કારણ કે તે પેશ્ચ્યુરાઈઝ્ડ હોય છે. પેશ્ચ્યુરાઈઝ્ડ દૂધ વાપરવું હંમેશા સલામત છે અને તે જલદી બગડતું નથી.
- ફેરિયા પાસેથી દૂધ ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ભેળસેળવાળું હોવાની શક્યતા હોય છે. વધુ નફો મેળવવા ફેરિયાઓ તેમાં ગમે તેવું પાણી ઉમેરતા હોય તેવું પણ બની શકા. આવું દૂધ બહુ આરેગ્યપ્રદ હોતું નથી અને તેને કારણે કોઈ રોગ થવાની સંભાવના રહે છે.
- ક્રીમ તાજુ, ખરાબ વાસરહિત હોવું જોઈએ તેમજ ખાટુ ન હોવું જોઈએ.
- માખણ ઘરે બનાવવું સારુ પણ જો બહારથી ખરીદવાનું થાય તો તે સ્વચ્છ પેકેટમાં હોય તથા સખ્ત અને તાજા સ્વાદવાળું હોવું જોઈએ.
- દહીંને ઘરે મળવવું વધુ ઈચ્છનીય છે કારણ કે ઘરે મેળવેલું દહીં બજારમાંથી ખરીદેલા દહીં કરતાં વધુ આરોગ્યપ્રદ અને સસ્તું હોય છે. બહારથી ખરીદેલું દહીં તાજુ અને સહેજ ખટાશવાળું હોવું જોઈએ. પરંતુ તે બહુ ખાટુ કે વધુ ગંધવાળું ન હોવું જોઈએ.
- પનીર ખરીદતી વખતે ચકાસવું જોઈએ કે તેને ફૂગ લાગેલી ન હોય અને તેની સોડમ ખરાબ ન હોય. પનીર જંતુરહિત કાગળમાં વીંટેલું કે સારી કંપનીનું પેક્ડ ખરીદવું જોઈએ.
- માવો ઘટ્ટ અને ખરાબ વાસરહિત હોવો જોઈએ.