લોહતત્વ( IRON )

લોહતત્વ ઓછી માત્રામાં જરૂરિયાત વાળા ખનિજક્ષારોમાંનુ એક છે.( https://ketnapabari.home.blog/2020/05/24/ખનીજક્ષાર-minerals/ ) જે આપણે આગળ ખનીજક્ષાર વાળા blog માં જોઈ ગયા. શરીરને તેની જરૂર ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે પરંતુ શરીર માટે તે બીજુ મહત્વનુ ખનીજક્ષાર છે. તેને અલ્પમાત્રા તત્વ પણ કહેવાય છે. શરીરમાં લોહતત્વની કુલ માત્રા માત્ર 3-5 ગ્રામ હોય છે. આ માત્રા બીજા ખનીજક્ષારોના પ્રમાણમાં બહુ જ ઓછી છે. જેમકે કેલ્શિયમની માત્રા લગભગ 1200 ગ્રામ હોય છે. લોહતત્વ આખા શરીરમાં મળી આવે છે. પરંતુ લોહીમાં તે સૌથી વધુ પ્રમાણમાં હોય છે. લોહીમાં 75% પ્રમાણ મળી આવે છે. બધા જ કોષો અને પેશીઓમાં પણ થોડુ ઘણુ લોહતત્વ હોય છે જેનુ પ્રમાણ 5% જેટલુ હોય છે. બાકીનો 20% ભાગ શરીરના વિવિધ ભાગોમાં જેમકે લીવર, બરોળ( spleen ) કિડની તથા અસ્થિ મજ્જા( bone marrow ) માં સંગ્રહ થાય છે.

પ્રાપ્તિસ્થાન

વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય બંન્ને આહારમાંથી લોહતત્વ પ્રાપ્ત થાય છે. પ્રાણીજન્ય આહારમાં ઈંડાનીજરદી, યકૃત( liver ), કિડની, બરોળ( spleen ) માં સારી માત્રામાં લોહતત્વ મળી આવે છે. વનસ્પતિજન્ય ખોરાકમાં લીલાં પાંદળાવાળા શાકભાજી જેમકે ચૌલાઈ( amaranths ), સરસવના પાન( mustard leaves ), ફૂદીનો( mint leaves ), અડવીના પાન( colocasia leaves), પાલક( spinach ) વગેરેમાંથી મળે છે. અનાજ જેમકે ઘઊ, જુવાર, બાજરી, રાગી ના લોટમાંથી , દાળોમાંથી લોહતત્વ મળે છે. આપણા આહારમાં મોટા ભાગનુ લોહતત્વ આખા અનાજમાંથી મળે છે. સોયાબીનમાં પણ સારા પ્રમાણમાં લોહતત્વ મળી આવે છે. સામાન્યતઃ ગળપણ માટે ઊપયોગી ગોળમાંથી લોહતત્વ સારા પ્રમાણમાં મળી રહે છે. આથી આપણે આપણા આહારમાં

ગળપણ માટે ખાંડ ને બદલે ગોળ પસંદ કરવો જોઈએ.

આપણા ભોજનમાં આટલા બધા લોહતત્વયુક્ત ખાદ્યપદાર્થો હોવા છતા પણ આપણા શરીરને બહુ ઓછા પ્રમાણમાં લોહતત્વ મળે છે. આનુ કારણ સમજવા માટે લોહત્વનુ શોષણ અને નિકાસ જરૂરથી વાંચો.

કાર્યો

લોહતત્વ તથા તેના કાર્યોનો અભ્યાસ બહુ જ રસપ્રદ છે. અનેક વર્ષોના સંશોધન પછી પણ લોહતત્વના કાર્યોના વિષયમાં અને ખાસ કરીને એ કાર્યોના વિષયમાં કે જે મગજની કાર્ય પ્રણાલી સાથે સંબંધિત છે. તેમા અમુક ભ્રમ રહ્યો છે. આપણે એ કાર્યો વિશે જાણીશુ જેના વિષે પૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ ગઈ છે.

( A ) ઓક્સિજનનુ પિરવહન ઃ- લોહતત્વ લોહીમાં રહેલા હિમોગ્લોબિન નામના લાલ રંગના સંયોજનનો મુખ્ય ઘટક છે. હિમોગ્લોબિનના હીમભાગમાં લોહતત્વ હોય છે. હિમોગ્લોબિન ઓક્સિજનને શરીરના વિવિધ અંગોમાં લઈ જવા માટે જરૂરી છે. તે ઓક્સિજનને ફેફસાથી કોષો/પેશીઓ સુધી લઈ જાય છે તથા કાર્બનડાયોક્સાઈડ( જે એક વ્યર્થ પદાર્થ છે ) ને પેશી/કોષો થી ફેફસા સુધી લઈ જવામાં મદદ કરે છે.ફેફસા દ્વારા આ કાર્બનડાયોક્સાઈડ બહાર નીકાળી દેવામાં આવે છે. હકીકતમાં કાર્બનડાયોક્સાઈડ બધા કોષોમાં ચયાપચયના( metabolism ) પરિણામે બનતો વ્યર્થ પદાર્થ છે તથા તેને શરીરની બહાર નીકાળવુ જરૂરી છે.

( B ) સ્નાયુઓના સંકોચન માટે ઓક્સિજન પ્રદાન કરે છે ઃ- સ્નાયુઓમાં લોહતત્વ માયોગ્લોબિન( myoglobin ) ના રૂપમાં મળી આવે છે. માયોગ્લોબિનમાં ઓક્સિજન ને ભેગુ કરવાની ક્ષમતા હોય છે. આ ઓક્સિજનનો ઊપયોગ સ્નાયુઓના સંકુચન તથા તેની બીજી જરૂરિયાતોની પૂર્તિ માટે થાય છે.

( C ) કોષોમાં ઓક્સિકરણ( oxidation ) ને વધારવુ ઃ- લોહતત્વ, ઓક્સિજનના વહનમાં સહાયતા કરીને કોષોની અંદર કાર્બોદિતપદાર્થ, ચરબી તથા પ્રોટીન ના પૂર્ણ ઓક્સિકરણ માં મદદ કરે છે. જેને પરિણામે આ બધા જ પદાર્થોમાંથી શરીરને ઊર્જા મળે છે. આમ, ઓક્સિજનના વહન અને ઊર્જાને છુટી કરવામાં લોહતત્વની ભૂમિકા મહત્વની છે. આપણા રોજના બધા જ કાર્યો માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. જો શરીરમાં ઊર્જા( શક્તિ ) નુ ઊત્પાદન ન હોય તો આપણે આપણા શારીરિક કાર્યો કરી શકતા નથી. આમ, આપણા રોજના શારીરિક કાર્યો કરવા માટે લોહતત્વ ખૂબ જરૂરી છે.

( D ) અમુક બૌધિક કાર્યો કરવા માટે ઃ- અમુક બૌધિક કાર્યો જેમકે તાત્કાલિક સ્મૃતિ( immediate memory ), શીખવાની ક્ષમતા , ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વગેરેમા લોહતત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

( E ) લોહતત્વ, એવા અમુક ઊત્સેચકો તથા પદાર્થોનુ મહત્વપૂર્ણ અવયવ છે જે ચયાપચયની ક્રિયામાં સહાયતા કરે છે.

( F ) લોહતત્વના અમુક સુરક્ષાત્મક કાર્ય પણ છે. VIT-A ની જેમ લોહતત્વ પણ સંક્રમણથી બચવામાં આપણી મદદ કરે છે.

આયર્ન તમરા રુધિરને લાલ અને તંદુરસ્ત બનાવે છે.

શોષણ અને નિકાસ

ભોજન દ્વારા ગ્રહણ થયેલુ લોહતત્વ આંતરડાના ઊપરના ભાગમાં શોષિત થાય છે. ખાસ વાત એ છે કે પશુજન્ય અને વનસ્પતિજન્ય આહારમાંથી મળી આવતા લોહતત્વનુ શોષણ એક-બીજાથી જુદુ હોય છે. પશુજન્ય આહારમાંથી મળતા લોહતત્વનુ શોષણ વધુ થાય છે જ્યારે વનસ્પતિજન્ય આહારમાંથી મળતા લોહતત્વનુ શોષણ બહુ ઓછુ થાય છે. કારણકે વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થોમાં રહેલા અમુક પદાર્થ લોહતત્વને પોતાની સાથે બાંધી લે છે, તેથી તેના શોષણમાં રુકાવટ પેદા કરે છે. આ પદાર્થોને બાધક પદાર્થો કે અવરોધક પદાર્થો( inhibitors ) કહે છે. લીલા પાંદળાવાળા શાકભાજી અને આખા અનાજમાં લોહતત્વ ઘણી માત્રામાં મળી આવે છે. પરંતુ તેમા અમુક બાધક પદાર્થો પણ રહેલા છે જે લોહતત્વને શોષણ થવાથી રોકે છે. જ્યારે બીજી બાજુ ખોરાકમાં રહેલા પ્રોટીન અને VIT-C જેવા પોષકતત્વો લોહતત્વના શોષણમાં સહાયતા કરે છે. આવા પદાર્થોને વર્ધક પદાર્થ( enhancers ) કહેવાય છે. તેથી પ્રોટીનથી ભરપૂર ખાદ્યપદાર્થ( https://ketnapabari.home.blog/2020/02/23/પ્રોટીનprotein/ ) જેમકે દૂધ અને VIT-C થી ભરપૂર ખાદ્યપદાર્થ( https://ketnapabari.home.blog/2020/05/17/વિટામિન-સી-vit-c-or-ascorbic-acid/ ) જેમકે સંતરા, લીંબૂ, આમળા, અમરુદ વગેરેનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ જેથી લોહતત્વનુ શોષણ વધુ થઈ શકે.

શરીર પર અસર

લોહતત્વની ઊણપવાળી સ્થિતિ થી એનીમિયા થઈ શકે છે. સામાન્ય રીતે પ્રજોત્પાદક ઊમરની સ્ત્રીઓ તથા બાળકોમાં આયર્નની ઊણપ વધુ જોવા મળે છે. એનીમિયા થયો હોય ત્યારે હિમોગ્લોબીનનું ઊત્પાદન ઘટવા લાગે છે. પેશીઓને ઓક્સિજન ઓછો મળવાને કારણે વ્યક્તિની કાર્યક્ષમતા ઘટી જાય છે. વ્યક્તિ સહેજ વારમાં થાકી જાય છે અને તેને જલદીથી શ્વાસ ચડે છે. તે ફિક્કો દેખાય છે. તેની જીભ અને આંગળીના ટેરવા પણ ફિક્કા દેખાય છે

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો