CONTINUED…….

સવારથી રાત સુધી આપણે જે-જે આહાર લઈએ છીએ તેમાંના મોટા ભાગના આહારમાં થોડા પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આપણે રોજ કાર્બોદિત પદાર્થ સૌથી વધુ પ્રમાણમાં લઈએ છીએ. આપણા આહારનો મોટો ભાગ કાર્બોદિત પદાર્થનો બને છે. કાર્બોદિત પદાર્થો આહારમાં કુદરતી રીતે જ હોય છે. (જેમકે ચોખા, ઘઊ, ફળફળાદિ, બટાકા, મધ વગેરેમાં તે હોય છે.) અથવા તેને આહારમાં સાકર સ્વરૂપે ઊમેરવામાં આવે છે. ( જેમકે આઇસક્રીમ , ઠંડાપીણા, ચા, કોફી વગેરેમાં)

અમુક કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચની જેમ જટિલ હોય છે જેને ઉપયોગમાં લેવા માટે શરીરે તેનું પાચન કરવું પડે છે. જ્યારે અમુક કાર્બોદિતપદાર્થો ગ્લુકોઝની જેમ સરળ પ્રકારના હોય છે અને શરીર તેનો સીધો ઉપયોગ કરી શકે છે. સામાન્ય વપરાશમાં લેવામાં આવતી ખાંડ સરળતાથી પચાવી શકાય તેવો કાર્બોદિત પદાર્થ છે.
કાર્ય(FUNCTION)

- કાર્બોદિત પદાર્થ શક્તિ માટેના સૌથી સસ્તા પ્રાપ્તિસ્થાન છે. આપણા આહારમાં કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ ઘણું વધારે હોય છે તેથી શક્તિ પ્રાપ્ત કરવાનું તે આપણું મહત્વનું પ્રાપ્તિસ્થાન છે.
- આપણે જાણીએ છીએ કે કાર્બોદિત પદાર્થો અને ચરબીની શરીરમાં ઊણપ હોય ત્યારે પ્રોટીન શરીરને શક્તિ પણ પૂરી પાડે છે. પ્રોટીન મોંઘા ખાદ્ય પદાર્થોમાંથી મળતા હોવાથી જો તેનો ઉપયોગ માત્ર શક્તિ મેળવવા માટે જ કરવામાં આવે તો તે અતિરેક(અપવ્યય) ગણાય. આથી આપણા આહારમાં કાર્બોદિત પદાર્થો અને ચરબી પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે, જેથી પ્રોટીન શરીર-ઘડતરના કાર્ય માટે જ ઉપયોગી થઈ શકે, શરીર-ઘડતરનું કાર્ય કાર્બોદિત પદાર્થો કે ચરબી કરી શકતા નથી.
- જો આહારમાં કાર્બોદિત પદાર્થો પૂરતા પ્રમાણમાં હોય તો તે શરીરમાં ચરબીનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે.
- ખાંડ, ગોળ, મધ જેવા કાર્બોદિત પદાર્થો આહારને સુંગધિત, સ્વાદિષ્ટ અને રૂચિકારક બનાવે છે.
- રેસાવાળા કાર્બોદિત પદાર્થો આપણા આહારનો જથ્થો વધારવામાં અને અન્નમાર્ગમાં ખોરાકનું હલનચલન સરળ બનાવવામાં મદદ કરે છે. આથી કબજિયાત થતી નથી. આવા કાર્બોદિત પદાર્થો જાડા ,ખરબચડા અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી તથા સૂકામેવામાંથી મળે છે.
પ્રાપ્તિસ્થાન(SOURCES)

- ખાંડ,ગોળ, મધ એ નર્યા(પૂરેપૂરા) કાર્બોદિત પદાર્થ છે.
- અનાજમાં અને કઠોળમાં ઘણા પ્રમાણમાં કાર્બોદિત પદાર્થ હોય છે.
- બટાકા, શક્કરિયા , બીટ, સૂરણ જેવા કંદમૂળમાંથી પણ ઘણા પ્રમાણમાં કાર્બોદિત પદાર્થ મળે છે.
- ફળો ખાસ કરીને કેળા, કેરી, પાઈનેપલ તથા દ્રાક્ષમાંથી પણ કાર્બોદિત પદાર્થો સારા પ્રમાણમાં મળે છે.
શરીર પર અસરો(EFFECTS)

- કાર્બોદિત પદાર્થોની ઊણપ કે અધિકતા પર શરીર પરની તેની અસર આધાર રાખે છે.
- કાર્બોદિત પદાર્થોની ઊણપના કારણે શરીરમાં શક્તિની ઊણપ વરતાય છે. પરિણામે વજન ઘટે છે, થાક લાગે છે અને કાર્યક્ષમતા ઘટે છે.
- કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ જરૂર કરતા વધુ હોય તો તેનું ચરબીમાં રૂપાંતર થઈ, તેનો આપણા શરીરમાં સંગ્રહ થાય છે અને વજન વધે છે. વજન વધારાના કારણે મધુપ્રમેહ( ડાયાબિટીસ ), રુધિરનું ઊંચુંદબાણ( બ્લડપ્રેસર) જેવા રોગ થઈ શકે છે.
કાર્બોદિત પદાર્થો સોંઘા અને સુપાચ્ય શક્તિ-સ્ત્રોત છે.
TO BE CONTINUED