પ્રોટીન શરીરની તમામ પેશીઓનું મુખ્ય ઘટક છે. પ્રોટીન મુખ્યત્વે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી, ઈંડા જેવા પ્રાણીજ આહારમાંથી મળે છે. કઠોળ અને સૂકામેવામાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે.
કાર્યો
1. શરીર ની વૃધ્ધિ અને જાળવણી માટે
શરીરની પેશીઓની વૃધ્ધિ અને જાળવણી માટે પ્રોટીન જરૂરી છે.શરીરનો વિકાસ થતો હોય ત્યારે, નવી પેશીઓની રચના માટે વધુ પ્રોટીનની જરૂર હોય છે. આથી જ યોગ્ય વૃધ્ધિ માટે બાળકોને વધુ પ્રોટીનની જરૂર હોય છે. ગર્ભની વૃધ્ધિ માટે સગર્ભા સ્ત્રીઓને વધુ પ્રોટીન જરૂરી છે. બાળકને માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સ્તનપાન કરાવતી સ્ત્રીઓને વધુ પ્રોટીનની જરૂર પડે છે.

નવજાતશિશુ, બાળકો, સગર્ભાસ્ત્રીઓ તેમ જ સ્તનપાન કરાવતી સ્ત્રીઓના આહારમાં પ્રોટીન સભર પદાર્થો ઊમેરો.
2. દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન
શરીરમાંના પ્રોટીનની હાજરીથી ઘણી દેહધાર્મિક ક્રિયાઓનુ નિયમન(control) થાય છે. ઊત્સેચકો( પાચકરસો/Enzyme) અને અંતઃસ્ત્રાવોના(Hormone) સ્વરૂપે પ્રોટીનની હાજરી મહત્વની દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરવામાં મદદરૂપ થાય છે. ચેપી રોગોનો સામનો કરવામાં પ્રોટીન શરીરને મદદ કરે છે.
3. પ્રોટીન શક્તિના પ્રાપ્તિસ્થાન તરીકે
1 ગ્રામ પ્રોટીનથી 4 કિલો કૅલરી શક્તિ મળે છે. પણ શક્તિના પ્રાપ્તિસ્થાન તરીકે પ્રોટીનયુક્ત આહાર મોંઘા પડે છે. આહારમાં પૂરતા પ્રમાણમાં કાર્બોદિત પદાર્થ અને ચરબી લેવા જોઈએ, જેથી મોંઘા પ્રોટીનનો શરીર-ઘડતરના કાર્ય માટે જ ઊપયોગ કરી શકાય.
પ્રાપ્તિસ્થાન
પ્રોટીન વનસ્પતિજ અને પ્રાણીજ બંન્ને આહારમાંથી મળે છે. દૂધ, ચીઝ, દહી જેવી દૂધની બનાવટો, ખોયા, ઈંડા, માંસ, માછલી જેવા ખોરાક પ્રાણીજ પ્રોટીનના પ્રાપ્તિસ્થાન છે. આવા ખાદ્ય પદાર્થોમાંથી ઉંચી ગુણવતા વાળુ અથવા તો પૂર્ણ પ્રોટીન મળે છે. શરીર પૂર્ણ પ્રોટીનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે.
સોયાબીન જેવા આખા કે દાળરૂપ કઠોળ, મગફળી જેવા તેલીબિયાં, કાજુ-બદામ વગેરે જેવા સૂકામેવામાંથી વનસ્પતિજ પ્રોટીન ખૂબ પ્રમાણમાં મળે છે. ઘઊં, ચોખા જેવા અનાજમાંથી પણ થોડા પ્રમાણમાં પ્રોટીન મળે છે.આવા ખાદ્યપદાર્થમાંથી મળતા પ્રોટીનની ગુણવતા ઊંચા પ્રકારની હોતી નથી. આવા પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક ખાદ્ય પદાર્થમાંથી જ શરીરને પ્રોટીન મળવાનુ હોય તો તે પ્રોટીનનો શરીરમાં પૂર્ણ ઊપયોગ થતો નથી.
આવા ખાદ્ય પદાર્થના સંમિશ્રણથી અથવા આવા ખાદ્ય પદાર્થોનુ પ્રાણીજ પ્રોટીનયુક્ત આહાર સાથેના સંમિશ્રણથી ઊપલબ્ધ થતા પ્રોટીનની ગુણવતા સુધરે છે અને તેમનો શરીરમાં વધુ ઊપયોગ પણ થાય છે.
આહારમાં માત્ર અનાજ અથવા માત્ર કઠોળ ખાવાને બદલે બન્નેનો સાથે ઉપયોગ કરવામાં આવે તોતે વધુ પોષણદાર બને છે. જેમકે ખીચડી(દાળ-ચોખાનું મિશ્રણ), દાળ-ભાત, ઈડલી, ઢોસા વગેરે… અનાજ અને કઠોળનું મિશ્રણ ધરાવતા આહારના ઉદાહરણ છે. એજ પ્રમાણે અનાજ સાથે થોડા પ્રમાણમાં દૂધ, દહી કે બીજા પ્રાણીજ પ્રોટીનયુક્ત પદાર્થો ઊમેરવાથી વનસ્પતિજ પ્રોટીનની ઉપયોગિતા વધે છે. જેમકે ખીર(દૂધ-ભાતનું મિશ્રણ), દહી-ખીચડી, દહી-ભાત વગેરે આવા ઉદાહરણો છે.

બાળકોની વૃદ્ધિ માટે અનાજ અને કઠોળનું સંમિશ્રણ લાભદાયક છે.
શરીર પર અસરો
બાળકોમાં પ્રોટીનની ઊણપ અવળી અસર કરે છે. આવી સ્થિતિને ‘ક્વાશિયકૅર’ કહેવાય છે. જેને પરિણામે સામાન્ય રીતે થતી વૃદ્ધિ મંદ પડે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં વાળ અને ચામડીમાં ફેરફારો થાય છે અને સોજાપણ આવે છે. જેને કારણે ચેપી રોગોનો સામનો કરવાની શક્તિ ઘટે છે અને ઘણીવાર બાળકોને ઝાડા પણ થાય છે. સગર્ભા સ્ત્રીઓના કિસ્સામાં, આહારમાં પ્રોટીનની ઊણપને કારણે ગર્ભની વૃદ્ધિ મંદ પડે છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં પ્રોટીનની ઊણપ હોયતો પૂરતું દૂધ થતું નથી.
CONTINUED ON WATER……..