
VIT-D પણ ચરબીદ્રાવ્ય( fat soluble) છે. VIT-D આપણને મોટે ભાગે આપણી ત્વચા નીચે રહેલા એક પૂર્વગામી( 7-Dehydrocholesterol) માંથી મળે છે. VIT-D ની જરૂરિયાત માટે આપણે ભોજન પર આધાર રાખવું જરૂરી નથી હોતુ. સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવું( exposure to sunlight) એ VIT-D મેળવવા માટે નો સરળ ઊપાય છે. આથી જ VIT-D ને ‘ sunshine vitamin ‘ પણ કહે છે. આ ઉપરાંત આપણા આહારમાંથી પણ તે મેળવી શકાય છે.
પ્રાપ્તિ સ્થાન

VIT-D ની આપણી જરૂરિયાત માટે આપણે મોટે ભાગે આપણી ત્વચા નીચે રહેલા પૂર્વગામી( 7-Dehydracholesterol ) પર સૂર્ય-કિરણોની ક્રિયા પર આધાર રાખીએ છીએ. જ્યારે સૂર્યના કિરણો આપણી ત્વચા પર પડે ત્યારે આ પૂર્વગામી( 7-Dehydrocholesterol ) નું VIT-D માં રૂપાંતર થાય છે. ઊપરાંત પ્રાણીજન્ય ખાદ્યપદાર્થો જેમકે યકૃત, માછલી, ઈંડાનીજરદી, દૂઘ, માખણ ને ઘી માંથી પણ VIT-D મળે છે. માછલીના યકૃતનું તેલ VIT-D મેળવવાનું બહુ સારુ પ્રાપ્તિસ્થાન છે. સામાન્ય વપરાશમાં લેવાતા વનસ્પતિજ ખોરાકમાં VIT-D નથી હોતું. પરંતુ સોયાબીન કે તેની બનેલી વસ્તુઓ જેમકે ટોફુ(tofu), સોયચંક્સ( soy chunks) ઉપરાંત મશરૂમમાં પણ VIT-D હોય છે. ફળોમાં માત્ર સંતરા( orange )માં VIT-D હોય છે. એક ગ્લાસ orange juice કેલ્શિયમ અને VIT-D નો સારો સ્ત્રોત છે.
શોષણ અને સંગ્રહ

ભોજનમાં રહેલ VIT-D નું ચરબીની સાથે નાના આંતરડામાં શોષણ થાય છે. VIT-D નું સહેલાઈથી શોષણ થઈ શકે તે માટે પિતરસ જરૂરી છે. શોષણબાદ VIT-D કાઈલોમાઈક્રો(chylomicron) નો ભાગ બની લોહીમાં ભળી જાય છે. જ્યારે ચામડીમાં સૂર્યપ્રકાશના પ્રભાવથી બનેલું VIT-D પણ લોહીમાં ભળી જાય છે. આરીતે બંન્ને સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયેલું VIT-D યકૃતમાં પહોંચે છે. જેનો અમુક ભાગ યકૃતમાં સંગ્રહ થઈ જાય છે તથા બાકીનો ભાગ લોહી દ્વારા શરીરની જુદી-જુદી પેશીઓમાં જાય છે.
કાર્ય

VIT-D હાડકાને મજબૂત તથા સ્વસ્થ બનાવે છે. શરીરમાં કેલ્શિયમના યોગ્ય શોષણ તથા હાડકા અને દાંતમાં કેલ્શિયમને જમા કરવા માટે VIT-D મહત્વનું છે. મજબૂત હાડકા અને તંદુરસ્ત દાંતની રચનામાં VIT-D મદદરૂપ થાય છે. અમુક ખનિજતત્વો( minerals) જેવાકે કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકામાં જમા થઈ જાય છે તથા હાડકાને મજબૂત અને સખત બનાવે છે. હાડકામાં ખનિજતત્વોના જમા થવાની પ્રક્રિયાને ખનિજકરણ( mineralization) કહે છે. VIT-D ખનિજકરણની આ પ્રક્રિયામાં બે રીતે સહાય કરે છે.
- કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ માં સહાયતા તથા
- હાડકામાં કેલ્શિયમ અને ફોસ્ફરસના જમા કરવાની પ્રક્રિયામાં સહાયતા
શરીર પર અસર
સૂર્યપ્રકાશ વગર ઘેરી અંધારી જગ્યામાં રહેતા બાળકો તથા સ્ત્રીઓમાં VIT-D ની ઊણપ સામાન્ય છે. જેના પરિણામે બાળકોને અસ્થિમાર્દવ( Rickets ) નામનો રોગ થાય છે. આ રોગથી પીડાતા બાળકોના શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું યોગ્ય શોષણ થતું નથી અને તેથી આવા બાળકોના હાડકાં અને દાંત પોચાં અને નબળા રહે છે, આથી બાળકની વૃદ્ધિ નબળી થાય છે. બાળકથી પોતાનું વજન જીરવાતું નથી, પગ વળી જાય છે. હાથ અને પગના હાડકાંના છેડા મોટા કદના થઈ જાય છેં આ જ કારણે અસ્થિમાર્દવથી પીડાતા બાળકના ઘૂંટી અને કાંડા ઘણા મોટા જોવા મળે છે. આવું બાળક ચાલવાનું મોડેથી શીખે છે અને પડી જાય ત્યારે તેના હાડકાં જલદીથી ભાંગી જાય છે. તેના દાંતનો વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તે સડી પણ જાય છે. રોગની શરૂઆતની અવસ્થામાં બાળક બેચેન લાગે છે. સ્નાયુઓની તાકાત( દ્રઢતા ) ઓછી થઈ જાય છે અને તે નિર્બળ થઈ જાય છે. પેટના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે તેથી પેટ ફેલાઈ જાય છે. બાળકનો વિકાસ મોડેથી થાય છે.
VIT-D ની ઊણપના કારણે નાની છોકરીઓના પેઢુંના હાડકાંનુ બંધારણ યોગ્ય રીતે થતું નથી, અને વખત જતા સ્ત્રીના પેઢુંના હાડકાં નબળાં પડી જાય છે. શરીરનું વજન સહી ન શકવાને કારણે હાડકાં વળી જાય છે અથવા તૂટી જાય છે. આના પરિણામે ચાલતી વખતે દુઃખાવો થાય છે અને બાળકના જન્મ સમયે એટલેકે પ્રસૂતિ સમયે તેમને તકલીફ થાય છે. પાંસળીઓ, કુલ્હાના હાડકાં, પીઠ તથા પગમાં દુઃખાવો થવો એ આ રોગની સામાન્ય ફરિયાદ છે. ક્યારેક હાડકામાં અસ્થિભંગ( fractures ) પણ થઈ શકે છે. આવી અવસ્થા ઓસ્ટીઓમેલેશિયા( osteomalacia )તરીકે ઓળખાય છે.
દરરોજ થોડો સમય સૂર્યપ્રકાશ મેળવવો તે હાડકાં અને દાંતની તંદુરસ્તી માટે સારુ છે.