આયોડિન( IODIN )

આયોડિન પણ એક અલ્પમાત્રા તત્વ છે. જે પુખ્તવયની વ્યક્તિના શરીરમાં બહુ ઓછી માત્રામાં( લગભગ 20-25 મિલિગ્રામ ) મળી આવે છે. આ ખનિજ તત્વનું સૌથી વધુ પ્રમાણ થાઈરોઈડ ગ્રંથિમાં મળી આવે છે. આ થાઈરોઈડ ગ્રંથિ ગળામાં આવેલી હોય છે.

પ્રાપ્તિસ્થાન

અધિકતમ ખાદ્યપદાર્થોમાં આયોડિન ઓછા પ્રમાણમાં મળી આવે છે.હકીકતમાં ખાદ્યપદાર્થોમાં આયોડિનનું પ્રમાણ જે-તે માટી તથા પાણીમાં આયોડિનના પ્રમાણ પર આધારીત હોય છે કે જેમાં આ ખાદ્ય પદાર્થો ઊગાડવામાં આવે છે. આયોડિન જમીનમાં હોય છે. વનસ્પતિ જમીનમાંથી આયોડિન મેળવે છે. આથી જે જમીનમાં પુષ્કળ આયોડિન હોય તેમાં ઊગાડેલા પાક આયોડિનના સારા પ્રાપ્તિસ્થાન છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊગાડેલા શાકભાજીમાં ઘણા પ્રમાણમાં આયોડિન મળી રહે છે. કારણકે ત્યાંની માટીમાં આયોડિનનું પ્રમાણ વધુ હોય છે.

પ્રમાણમાં પહાડી વિસ્તારોમાં ઊગાડેલા શાકભાજીમાં આયોડિનનું પ્રમાણ બહુ ઓછુ હોય છે. કારણકે આ વિસ્તારોમાં માટી તથા પાણી બંન્નેમાં બહુ જ ઓછા પ્રમાણમાં આયોડિન મળી આવે છે. પર્વતવાળા પ્રદેશોની જમીન વરસાદ અને પીગળતા બરફથી ધોવાઈ જતી હોવાથી ત્યાં આયોડિનની ઊણપ બહુ સામાન્ય છે. પશુજન્ય ખોરાકમાં જેમકે ઈંડા,દૂધ વગેરેથી બનેલા પદાર્થ તથા માંસમાં આયોડિનનું પ્રમાણ , પશુઓના ભોજનમાં આયોડિનના પ્રમાણ પર આધારિત હોય છે. સમુદ્રી પદાર્થ જેમકે માછલી, શંખમીન( shellfish ) વગેરે આયોડિનના સૌથી સારા સ્ત્રોત છે.

સંશોધનથી ખબર પડી છે કે માત્ર પહાડીપ્રદેશોમાં નહી પરંતુ દેશના અમુક બીજા ભાગોની માટીમાં પણ આયોડિનનું પ્રમાણ બહુ ઓછુ હોય છે. આથી આ સ્થિતિમાં ઊગાડેલા શાકભાજી પણ આયોડિનયુક્ત નથી હોતા અથવા આયોડિન બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે આવા સ્થાનો પર લોકોના ભોજનમાં આયોડિનયુક્ત મીઠાનો જ ઊપયોગ કરવો જોઈએ.

અમુક વનસ્પતિજન્ય પદાર્થો જેમકે પત્તાકોબી, મૂળા, ભીંડા, મગફળી તથા તલમાં અમુક એવા પદાર્થ મળી આવે છે કે જે શરીરમાં થાઈરોક્સિનના ઊપયોગની ક્ષમતામાં રુકાવટ પેદા કરે છે. આ પદાર્થોને ગોટ્રોજન્સ( goitrogens ) કહે છે. આ ગોટ્રોજન્સ ખોરાકને રાંધીને ખાવાથી સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. તેથી ઊપર લખેલા પદાર્થોને ખાવા પહેલા સારી રીતે પકાવીને ખાવા જોઈએ.

કાર્ય

આયોડિનની જરૂર કેમ છે? આયોડિન, વિવિધ દેહધાર્મિક ક્રિયાઓનુ નિયંત્રણ કરનાર થાઈરોઈડ ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત હોર્મોન થાઈરોક્સિનનું એક મહત્વનું ઘટક છે. થાઈરોક્સિન કોષોની સાથે ઓક્સિડેશનના દરને નિયંત્રિત કરે છે. જો આ નિયંત્રણ કરવામાં ન આવે, તો શારીરિક અને માનસિક વૃદ્ધિ બંન્ને અસર થાય છે. ઊપરાંત આયોડિન ચેતા સ્નાયુઓની પેશીઓના કાર્યમાં મદદ કરે છે.

શોષણ અને નિકાસ

ભોજનમાં રહેલ આયોડિનનું શોષણ નાના આંતરડામાં થાય છે. ત્યારબાદ આયોડિન લોહીમાંથી થાઈરોઈડ ગ્રંથિ દ્વારા ગ્રહણ કરી લેવામાં આવે છે તથા બાકી વધેલુ આયોડિન નિકાસ થઈ જાય છે.

શરીર પર અસર

આયોડિનની ઊણપથી ગોઈટર( કંટમાળ ) થાય છે. ગોઈટર થયાની સ્થિતિમાં ગરદન( ડોક ) ના ભાગમાં આવેલી થાઈરોઈડ ગ્રંથિની વૃદ્ધિ થાય છે. જેને પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ પર અસર થતા વ્યક્તિ બિનક્રિયાશીલ બને છે અને તેનુ વજન વધે છે. આપણા દેશના હિમાલયના વિસ્તારમાં વસતા ઘણા લોકોમાં આયોડિનની ઊણપ જોવા મળે છે. દિલ્હી અને હૈદરાબાદ જેવા શહેરોમાં પણ આ ઊણપ ઘણા લોકોમાં જણાય છે. આયોડિનની ઊણપના નિવારણ માટે સરકારે આયોડિનયુક્ત મીઠું બનાવવાનો અને તેનું વિતરણ કરવાનો રાષ્ટ્રિય કાર્યક્રમ શરૂ કર્યો છે. આહારને સ્વાદિષ્ટ બનાવનાર સૌથી સસ્તા ખાદ્ય પદાર્થ તરીકે મીઠાનો ઊપયોગ સાર્વત્રિક રીતે થાય છે. તેમાં આયોડિનના ઊમેરાથી તેની ગુણવતાને અસર થતી નથી. આથી ગોઈટરને નિવારવા માટે મીઠામાં આયોડિન ઊમેરવું તે શ્રેષ્ઠ ઊપાય છે. તે જ રીતે આહારમાં આયોડિનયુક્ત મીઠું વાપરવુ તે આયોડિનની ઊણપથી બચવાનો શ્રેષ્ઠ ઊપાય છે.

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Table of Contents

About the Post
Subscribe for Updates
guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો